ગંગટોક, સિક્કિમના નામચી જિલ્લાના મજુઆ ગામમાં સોમવારે સવારે ભારે વરસાદને કારણે અચાનક પૂર આવતાં બે વ્યક્તિનાં મોત થયાં હતાં અને અનેક મકાનોને નુકસાન થયું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

તેઓએ જણાવ્યું કે આ ઘટના અહીંથી લગભગ 53 કિમી દૂર જિલ્લાના યાંગંગ વિસ્તારમાં બની હતી.

“બે મૃત્યુ ઉપરાંત, સવારે 6 વાગ્યાની આસપાસ ગામમાં અચાનક પૂર આવતાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી, જ્યારે અન્ય એક વ્યક્તિ ગુમ છે. ઘાયલોને તાત્કાલિક સિંગતમ જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઓછામાં ઓછા સાત મકાનોને પણ નુકસાન થયું છે, ”એક અધિકારીએ જણાવ્યું હતું.

રાજ્યની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો પોલીસ કર્મચારીઓ અને સ્થાનિકોની મદદથી સ્થળ પર બચાવ કાર્ય કરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.

સિક્કિમ ક્રાંતિકારી મોરચાના સુપ્રીમો પ્રેમ સિંહ તમંગ, જેઓ સોમવારે પછીથી બીજી મુદત માટે મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવાના છે, તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી છે, અધિકારીએ જણાવ્યું હતું.